
- તા.1 ઓગસ્ટ 2026થી ટ્રાફિકની ફરિયાદો માટે, કાર્યરત જૂનો હેલ્પલાઇન નંબર '112' સાથે સંકલિત થશે.
ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : નાગરિકોની સુવિધા અને ઝડપી પ્રતિસાદ માટે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટેનો અલગ નંબર હવે સમગ્ર દેશમાં કાર્યરત 112 (112 Emergency Response Support System - ERSS) હેલ્પલાઇન સાથે મર્જ કરવામાં આવ્યો છે. તા. 01 ઓગસ્ટ 2026 થી ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો માત્ર 112 પર જ નોંધાવી શકાશે.
ટ્રાફિક સંબંધિત ફરિયાદો માટે કાર્યરત જૂના ટોલ-ફ્રી નંબર (1800 233 1122) પર પ્રમાણમાં ખૂબ ઓછી ફરિયાદો આવતી હતી. ભારત સરકારની ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હેલ્પલાઇન નંબર બદલાયો છે, પરંતુ ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો યથાવત રહેશે.
રાજ્યના તમામ નાગરિકોને ભવિષ્યમાં ટ્રાફિક સંબંધિત તમામ ફરિયાદો, સૂચનો કે રજૂઆતો માટે 112 હેલ્પલાઇનનો ઉપયોગ કરી વાહનવ્યવહાર અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવામાં પોલીસ તંત્રને સહયોગ આપવા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા કે વૃક્ષો ધરાશાયી થવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય ત્યારે પણ નાગરિકો ત્વરિત સહાય માટે 112 નંબર પર સંપર્ક કરી શકશે. વરસાદી આફત કે ઈમરજન્સીના સમયે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે, આથી આવી પરિસ્થિતિમાં પણ હવેથી અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર એક જ ઈમરજન્સી નંબર ‘112’ પર જ કોલ કરવાનો રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ