
રાજપીપળા/અમદાવાદ,31 જુલાઇ (હિ.સ.) ગુજરાત માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભારે છે. રાજ્યમાં વરસાદના એલર્ટ વચ્ચે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં વરસ્યો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સાગબારા અને ગરુડેશ્વરમાં સૌથી વધુ 118 મિમી (4.65 ઇંચ) વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સહિત 13 જિલ્લામાં ‘રેડ એલર્ટ,’નર્મદાના તિલકવાડામાં એસડીઆરએફની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ કર્યું છે, તો રાજપીપળા-સિસોદરા માર્ગ ધોવાઈ જતાં બંધ કરાયો છે. રાજ્યભરમાં SEOC દ્વારા 24×7 સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 8થી 10 વાગ્યાની બે કલાકમાં સૌથી વધુ ખેડાના વસોમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. સુરતમાં ખાડીપૂરનું સંકટ મંડરાતા તંત્ર એલર્ટમોડ પર છે. આજે અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે તડકો જોવા મળી રહ્યો છે.
આજે ધોધમાર વરસાદની આ આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 9 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠકમાં તમામ વિભાગોને સાધનો અને ટીમો સાથે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ