
સુરત, 31 જુલાઈ (હિ.સ.) : બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-ડિપ્રેશનના પગલે ભારતીય હવામાન વિભાગે સુરત જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણાએ જિલ્લાના નાગરિકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો સતત મેદાનમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને દરિયાકિનારા જેવા જોખમી સ્થળોથી દૂર રહેવાની સલાહ આપી હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર જણાય તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરી નજીકના શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા પણ અપીલ કરી હતી.
ભારે પવન દરમિયાન ઊંચી ઇમારતો, જૂના વૃક્ષો અને વીજળીના થાંભલાઓથી સુરક્ષિત અંતર જાળવવાની સલાહ આપતાં તેમણે જણાવ્યું કે નાગરિકોની સુરક્ષા જિલ્લા તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે. કોઈપણ કટોકટી કે ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકોએ તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા તંત્રે જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ જરૂરી વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે