પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ
- સુરત-વડોદરામાં પાણી ભરાતા વાહનો ફસાયા ગોધરા/અમદાવાદ,31 જુલાઇ (હિ.સ.) : ગુજરાત માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભારે છે. રાજ્યમાં વરસાદના એલર્ટ વચ્ચે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસા
Pavagadh Temple Trust appeals to postpone Pavagadh Yatra


- સુરત-વડોદરામાં પાણી ભરાતા વાહનો ફસાયા

ગોધરા/અમદાવાદ,31 જુલાઇ (હિ.સ.) : ગુજરાત માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભારે છે. રાજ્યમાં વરસાદના એલર્ટ વચ્ચે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં વરસ્યો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સાગબારા અને ગરુડેશ્વરમાં સૌથી વધુ 118 મિમી (4.65 ઇંચ) વરસાદ નોંધાયો છે.

પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા અર્થે આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ કરાઈ છે. આ તરફ સુરતમાં 'રેડ એલર્ટ'ને ધ્યાને રાખી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવાઈ છે.

આ ઉપરાંત બચાવ કામગીરી માટે આર્મીની બે ટીમની પણ માગ કરાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થાનાંતરણ શરૂ કરાયું છે. બપોર પછી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, મહીસાગર, છોટાઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓમાં મોડીરાતથી વરસાદ નોંધાયો છે, જેમાં સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 21 મિમી વરસાદ પડ્યો છે. વડોદરામાં વરસાદ થમ્યા બાદ પણ અલકાપુરી ગરનાળા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોનસૂન ટ્રફ, 3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે.

આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.

આજે 31 જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને કારણે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande