સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે 1,117 ગ્રામજનોનું સુરક્ષિત સ્થળાંતર, વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
સુરત, 31 જુલાઈ (હિ.સ.) સુરત જિલ્લામાં શુક્રવારે સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં અનેક તાલુકાઓમાં 3 ઈંચથી લઈને 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે સંભવિત જોખમને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમ
ગ્રામજનોનું સુરક્ષિત સ્થળાંતર


સુરત, 31 જુલાઈ (હિ.સ.) સુરત જિલ્લામાં શુક્રવારે સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં અનેક તાલુકાઓમાં 3 ઈંચથી લઈને 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે સંભવિત જોખમને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી ગ્રામજનોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સાંજે 4:00 વાગ્યા સુધીમાં કુલ 1,117 ગ્રામજનોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સ્થળાંતરિત લોકોને તેમના સગાસંબંધીઓના ઘરે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓ, કમ્યુનિટી હોલ અને શેલ્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તાલુકાવાર સ્થળાંતરની વિગતો મુજબ:

-બારડોલી તાલુકાના કડોદ, અસ્તાન સહિતના વિસ્તારોમાંથી 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

-કામરેજ તાલુકાના ચીખલી ગામમાંથી 34 લોકોનું સ્થળાંતર કરાયું.

-માંગરોળ તાલુકાના વસરાવી, લુવારા, હરણગામ, વાંકલ, ભીલવાડા, ખરેડા, બોરીયા, શાહ અને અંબાવાડી સહિતના ગામોમાંથી 321 લોકોને સલામત સ્થળોએ ખસેડાયા.

-ઓલપાડ તાલુકાના કીમ, કંટાસણ, મિર્ઝાપુર, વડદ, અંટોલી, ટકારા અને ઓલપાડ ગ્રુપ વિસ્તારમાંથી 99 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

-ચોર્યાસી તાલુકાના સેગવા સહિતના વિસ્તારોમાંથી 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

-અંબિકા તાલુકાના મહુવરિયા, ઉમરા, ભોરીયા, તરકારી સહિતના ગામોમાંથી 151 લોકોને સ્થળાંતરિત કરાયા.

-અરેઠ તાલુકાના ટુંકેદ, પાતલ, બોરીગાળા અને પરવાટ ગામોમાંથી 76 લોકોને ખસેડવામાં આવ્યા.

-માંડવી તાલુકાના બોરી, ગોડસંબા, ઈસર અને લાડકુવા ગામોમાંથી 276 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરિત તમામ નાગરિકો માટે ભોજન, પીવાનું પાણી અને રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

તંત્રએ જણાવ્યું છે કે પલસાણા અને ઉમરપાડા સહિતના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક સ્થળાંતર માટે તમામ તૈયારીઓ પૂર્ણ છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande