
સુરત, 08 જુલાઈ (હિ.સ.): સુરત જિલ્લામાં તા.1 થી 8 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ હતું. .8 જુલાઈ,સવારે 9:00 વાગ્યાની સ્થિતિએ પાછલા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં સરેરાશ 347 મીમી એટલે કે 13.7 ઇંચ તેમજ છેલ્લા 38 કલાકના સમયગાળામાં શહેરમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં 148 સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના નિવારણ કામગીરી પ્રગતિમાં છે. શહેરમાં રાહત અને બચાવ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં 3416 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે 3862 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરી નજીકના કોમ્યુનિટી હોલ તેમજ શાળાઓમાં સુરક્ષિત આશ્રય અપાયો છે. જે તમામ માટે કુલ 9563 ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બીજી તરફ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 193.72 મીમી (7.59 ઇંચ) વરસાદ નોંધાયો છે. 19 જેટલા સ્થળોએ પાણી ભરાયા હતા, જેના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પલસાણા તાલુકામાં 19 લોકોને સ્થળાંતર કરાયા છે, જેમના માટે શેલ્ટર હોમ અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે