
પાટણ, 08 જુલાઈ (હિ.સ.)ગાંધીનગર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF)એ સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી કોડીન ફોસ્ફેટયુક્ત નશાયુક્ત કફ સીરપની 75 બોટલો સાથે ઇકબાલ હુસૈન ઇબ્રાહિમ મન્સુરીની ધરપકડ કરી છે.
બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ કરતાં 75 બોટલ કફ સીરપ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તમામ બોટલોમાં કોડીન ફોસ્ફેટ હોવાનું સામે આવ્યું હતું. આરોપી પાસે આ દવા રાખવા માટે કોઈ માન્ય લાયસન્સ કે પરમિટ પણ મળી નહોતી. પોલીસે રૂ. 13,350નો કફ સીરપ, રૂ. 5,000નો ઓપ્પો મોબાઇલ ફોન અને રૂ. 25,000નું પ્લેઝર સ્કૂટર મળી કુલ રૂ. 43,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂછપરછ દરમિયાન ઇકબાલ હુસૈન ઇબ્રાહિમ મન્સુરીએ કબૂલાત કરી હતી કે તેણે આ જથ્થો સિદ્ધપુરના બ્રહ્મણીયા પોળમાં રહેતા રોહિત સીતારામ પ્રજાપતિ પાસેથી મેળવી છૂટક વેચાણ માટે લાવ્યો હતો. હાલ રોહિત સીતારામ પ્રજાપતિને ઝડપી પાડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
આ મામલે કાકોશી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 તેમજ NDPS એક્ટની કલમ 8(C), 21(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિનોદકુમાર અમૃતલાલ લીમ્બાચીયા ચલાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ