
સુરત, 08 જુલાઈ (હિ.સ.) : છેલ્લા બે દિવસથી સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ તથા જળબંબાકાર જેવી પરિસ્થિતિને પગલે ગુજરાતના નાણામંત્રી અને સુરત જિલ્લાના પ્રભારીમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું વહેલી તકે ચુકવણું કરવાની સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સ્થાનિક તંત્ર સાથે સતત સંકલનમાં છે.
તેમણે શહેરના જળભરાયેલા વિસ્તારોમાં ઝડપથી પાણીનો નિકાલ કરવા માટે જરૂરી હોય ત્યાં ડીવોટરિંગ પંપ સહિતના સાધનો ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી, અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર, ફૂડ પેકેટ, બોટ, શેલ્ટર હોમ અને રાહત કેન્દ્રોની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય ત્યાં લોકોને સલામત સ્થળે ખસેડવા, પીવાનું પાણી, ભોજન, દવાઓ, સ્વચ્છતા અને જીવનજરૂરી ચીજવસ્તુઓની પૂરતી વ્યવસ્થા અગાઉથી સુનિશ્ચિત કરવામાં આવે. રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે આ સપ્તાહમાં જ શહેરમાં સમગ્ર સિઝનના અંદાજે 30 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 3,600 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 4,100 લોકોને રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. હાલ NDRFની 2 અને SDRFની 5 ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે.
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે પલસાણા અને કામરેજ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો ઝડપી સર્વે કરવા માટે બુધવાર રાતથી જ ટીમો તૈનાત કરવામાં આવશે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 40 કાચા-પાકા મકાનોને નુકસાન થયાની માહિતી પણ તેમણે આપી હતી.
બેઠકમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો, મેયર માયાબેન માવાણી, પોલીસ કમિશનર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ અન્ય જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે