યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ભાવનગરમાં એનએસએસના 58 વિદ્યાર્થીઓ માટે 7 દિવસીય નિવાસી તાલીમનો પ્રારંભ
ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં આપત્તિ સમયે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે યુવાનોને સજ્જ બનાવવા ભારત સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા અમલમાં
તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ


ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં આપત્તિ સમયે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે યુવાનોને સજ્જ બનાવવા ભારત સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા અમલમાં મૂકાયેલી યુવા આપદામિત્ર સ્કીમ અંતર્ગત એનએસએસના વિદ્યાર્થીઓ માટે ૭ દિવસીય નિવાસી તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સ્પીપા પ્રાદેશિક તાલીમ કેન્દ્રના સંકલનમાં યોજાયેલી આ તાલીમનું આયોજન કાળિયાબીડ સ્થિત નટરાજ, પી.એન.આર. સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે. તાલીમમાં ભાવનગર જિલ્લાના વિવિધ કોલેજોના કુલ ૫૮ એનએસએસ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

આ યોજનાનો મુખ્ય હેતુ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવાનો તેમજ સ્થાનિક સ્તરે પ્રશિક્ષિત સ્વયંસેવકોનું મજબૂત નેટવર્ક ઉભું કરવાનો છે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમિયાન કેવી રીતે કામગીરી કરવી તેની વ્યવહારુ અને સૈદ્ધાંતિક બંને પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે.

માસ્ટર ટ્રેનર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાતો, ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ, ૧૦૮ ઇમરજન્સી સેવા, રેડક્રોસ અને એનડીઆરએફની ટીમ દ્વારા તાલીમાર્થીઓને ફાયર સેફ્ટી, શોધ અને બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે ખસેડવાની પદ્ધતિ તેમજ સમુદાય આધારિત આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમમાં વર્ગખંડ ઉપરાંત ફિલ્ડ ડેમો અને પ્રાયોગિક અભ્યાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

સાત દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થીઓને યુવા આપદામિત્ર તરીકે ઓળખપત્ર (આઈ-કાર્ડ), પ્રમાણપત્ર, વીમા કવચ તેમજ રેસ્ક્યુ કીટ અર્પણ કરવામાં આવશે. આ પહેલ દ્વારા જિલ્લામાં આપત્તિના સમયમાં સ્થાનિક સ્તરે પ્રશિક્ષિત અને સજ્જ યુવાનોની ટીમ તૈયાર થશે, જે જરૂરિયાત સમયે વહીવટી તંત્ર સાથે મળીને અસરકારક રાહત અને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande