
અમરેલી,, 08 જુલાઈ (હિ.સ.)
અમરેલી જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે. અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન પહોંચ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેતરો ધોવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનગ્રસ્ત ખેતરોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી. ખેડૂતોને પડેલી આર્થિક મુશ્કેલીઓ અને પાકને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સર્વે કરીને ઝડપથી અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેને જણાવ્યું કે ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ સંજોગોમાં ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે માટે તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી જિલ્લાના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
તેમણે રાજ્ય સરકારને ખેડૂતોના હિતમાં ઝડપી નિર્ણય લેવા અપીલ કરતાં જણાવ્યું કે ખેડૂતોને સમયસર સહાય મળશે તો તેઓ આગામી કૃષિ કામગીરી માટે સજ્જ બની શકશે અને આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai