
ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સભાનતા વધારવાના હેતુથી શહેરના ગાયત્રીનગર સ્થિત શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાથમિક શાળા નં. 19 ખાતે સાયબર ક્રાઇમ, પોકસો એક્ટ અને ટ્રાફિક સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદ અને નાયબ પોલીસ અધિક્ષક ચિંતન પટેલના નેતૃત્વમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા પોલીસ સ્ટેશનની શી-ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. એન. મકવાણા અને હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને પોકસો એક્ટ અંગે સરળ ભાષામાં માહિતી આપી હતી.
તેમણે બાળકોને જાતીય શોષણ, છેડતી જેવા ગુનાઓથી બચવા માટેની સાવચેતીઓ સમજાવી હતી. સાથે જ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ઇમરજન્સી સેવા 112 તથા મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે અમલમાં રહેલા વિવિધ કાયદા અને યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સુરક્ષા સેતુ સોસાયટીના હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ સોલંકી, સાયબર પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્સપર્ટ ધવલભાઈ અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. અરવિંદભાઈ સુવેરાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કર્યા હતા. ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો, ઓટીપી, બેંકની વિગતો અને પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવા તેમજ સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટ્રાફિક સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન, રોડ સલામત રીતે ક્રોસ કરવાની રીત અને માર્ગ સલામતીના નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોલીસ અધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને વિવિધ મુદ્દાઓ અંગે પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન મેળવ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આવા જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને જવાબદાર નાગરિક તરીકે ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA