ભાવનગર એસ.ટી. વિભાગની સ્વચ્છતા ઝુંબેશને વેગ; ગંદકી કરનાર 240 મુસાફરો પાસેથી દંડ વસૂલાયો
ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના ભાવનગર વિભાગ દ્વારા બસો અને બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ, સ્વસ્થ અને મુસાફરોને અનુકૂળ રાખવાના હેતુથી સ્વચ્છતા અભિયાન વધુ સઘન બનાવવામાં આવ્યું છે. ''સ્વચ્છતા હી સેવા'' અને ''
ભાવનગર ડેપો ફાઇલ ફોટો


ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના ભાવનગર વિભાગ દ્વારા બસો અને બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ, સ્વસ્થ અને મુસાફરોને અનુકૂળ રાખવાના હેતુથી સ્વચ્છતા અભિયાન વધુ સઘન બનાવવામાં આવ્યું છે. 'સ્વચ્છતા હી સેવા' અને 'સ્વચ્છતા હી પરમો ધર્મ'ના સંદેશને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે વિભાગ દ્વારા સતત દેખરેખ રાખી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વિભાગ દ્વારા બસો તેમજ બસ સ્ટેશન પરિસરમાં થૂંકવું, કચરો ફેંકવો, ગંદકી ફેલાવવી અને અન્ય મુસાફરોને અસુવિધા થાય તેવી પ્રવૃત્તિઓ સામે નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 હેઠળ હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન કુલ 240 કેસ નોંધાયા હતા. આ તમામ કેસોમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર મુસાફરો પાસેથી કુલ રૂ. 3,530નો દંડ વસૂલવામાં આવ્યો છે.

ડેપોવાર કાર્યવાહી મુજબ ભાવનગર ડેપોમાં રૂ. 490, તળાજા ડેપોમાં રૂ. 600, મહુવા ડેપોમાં રૂ. 600, પાલિતાણા ડેપોમાં રૂ. 320, ગારીયાધાર ડેપોમાં રૂ. 300, બરવાળા ડેપોમાં રૂ. 300, બોટાદ ડેપોમાં રૂ. 480 તેમજ ગઢડા ડેપોમાં રૂ. 440નો દંડ વસૂલાયો છે. આ આંકડા દર્શાવે છે કે સ્વચ્છતા જાળવવા માટે એસ.ટી. વિભાગ દ્વારા તમામ ડેપોમાં સમાન રીતે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

એસ.ટી. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેશન માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક મુસાફરની પણ નૈતિક ફરજ છે. જાહેર સ્થળોએ થૂંકવું કે કચરો ફેંકવાથી માત્ર ગંદકી જ નહીં પરંતુ વિવિધ ચેપી રોગો ફેલાવવાનું જોખમ પણ વધે છે.

ભાવનગર એસ.ટી. વિભાગે તમામ મુસાફરોને જાહેર સંપત્તિની જાળવણી કરવા, બસો અને બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા તેમજ નિયમોનું પાલન કરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત મુસાફરીનું વાતાવરણ નિર્માણ કરવામાં સહકાર આપવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande