
વડોદરા , 08 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના કરજણ–પાદરા રોડ પરથી પસાર થતી ઢાઢર નદીમાં એક સાથે અનેક મગરો દેખાતા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ ફેલાયું છે. કોઠવાડા ગામ નજીક નદીના પાણીમાં મગરોનું ટોળું જોવા મળતાં આ અનોખું દૃશ્ય રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાયરલ વીડિયોમાં નદીના પાણીમાં એકસાથે અનેક મગરો નજરે પડતા હોવાનું જોવા મળે છે. જોકે, વીડિયોમાં દેખાતા મગરોની ચોક્કસ સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઢાઢર નદીમાં મગરો જોવા મળવું અસામાન્ય નથી, પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં મગરો નજરે પડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોમાં કુતૂહલ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે.
વીડિયો સામે આવ્યા બાદ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે પહોંચી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ નદી કિનારે જતા લોકો, પશુપાલકો અને માછીમારોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને બાળકોને નદીના કિનારાથી દૂર રાખવા અને કોઈપણ પ્રકારની જોખમી હરકત ન કરવા સૂચના આપવામાં આવી રહી છે.
હાલ વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વન વિભાગ દ્વારા પણ લોકોને વન્યજીવોને દૂરથી જ નિહાળવા અને કોઈપણ પ્રકારનો ખલેલ ન પહોંચાડવાની અપીલ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ