




- દહેજ બાયપાસ રોડ ધોવાયો, રસ્તાઓ પર મસમોટા ખાડા પડતાં વાહનચાલકો અટવાયા
ભરૂચ, 08 જુલાઈ (હિ.સ.) : ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થતાંની સાથે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ભરૂચના મુખ્ય માર્ગો ધોવાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે, જેને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દહેજ બાયપાસ રોડ બિસ્માર બન્યો, અકસ્માતનો ભય વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે. ભરૂચના અતિ મહત્વના ગણાતા દહેજ બાયપાસ રોડ પર શેરપુરા ગામ નજીકનો મુખ્ય માર્ગ વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયો છે. આ માર્ગ પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો તેમજ ઔદ્યોગિક વસાહતોની ગાડીઓ પસાર થાય છે. રસ્તો ધોવાઈ જવાના કારણે માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જે હવે વાહનચાલકો માટે મોતના કુવા સમાન સાબિત થઈ રહ્યા છે.
બિસ્માર બનેલા આ રસ્તા પરથી પસાર થતી વખતે અનેક નાના-મોટા વાહનો આ મસમોટા ખાડાઓમાં પટકાયા હોવાના અહેવાલો સાંપડ્યા છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ ન દેખાવાના કારણે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે, જેના લીધે અનેક ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો આક્ષેપ કરીને આજે સ્થાનિક રહીશો તેમજ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે આ માર્ગની જાળવણી કરતી સંસ્થા 'જીએસઆરડીસી' જીએસઆરડીસીના કર્મચારીઓ અને અધિકારીઓનો ઘેરાવો કરીને ભારે ઠપકો આપ્યો હતો. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 24 કલાકમાં આ ખાડાઓ પૂરીને રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ