
- અસરગ્રસ્ત પરિવારોને રાશન કીટ આપી
ગીર સોમનાથ, 08 જુલાઈ (હિ.સ.) : ઉના તાલુકામાં અવિરત અને ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. સતત વરસેલા વરસાદના કારણે ઘણા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હતું. અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાતા તેમને તાત્કાલિક રાહતની જરૂરિયાત ઉભી થઈ હતી. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉનાના લોકપ્રિય અને સેવાભાવી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ આજે ઉના તાલુકાના ખત્રીવાડા ગામે પહોંચ્યા હતા.
ધારાસભ્ય એ અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી. તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ તકે ધારાસભ્યએ જરૂરિયાતમંદ પરિવારોને 12થી વધું રાશનની વસ્તુઓની 35 કિલૉ થી વધુ વજન ની કીટનું વિતરણ કરીને આપત્તિના સમયમાં તેમની સાથે ઉભા રહેવાનો સંદેશ આપ્યો હતો. ગામ લોકોએ પણ ધારાસભ્યની આ માનવતાભરી પહેલને આવકારી હતી. અને સમયસર મળેલી સહાય બદલ સરપંચ તેમજ આગેવાનો અને ગ્રામજનોએ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ