
સોમનાથ,08 જુલાઈ (હિ.સ.) ગત ચાર દિવસથી સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદના પરિણામે જનજીવનને અસર પહોંચી છે. ત્યારે, કોડિનાર નગરપાલિકા દ્વારા સરાહનીય કામગીરી કરતા કુમાર-કન્યાશાળાના વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ છે.
અવિરત વરસાદના કારણે કોડિનાર કુમાર/કન્યા શાળા (પાંજરાપોળ) ના રસ્તામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સ્ટાફને રસ્તો પસાર કરવામાં પડતી મુશ્કેલી પડતી હતી.
આ મુશ્કેલીની જાણ થતાં જ કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ એ રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સ્થળ પર જોતા વરસાદી પાણી વચ્ચે બાળકોને શાળામાં જવામાં મુશ્કેલી પડતી હતી. તેને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા તાત્કાલીક કપચી ભરેલી ટ્રક મંગાવીને જમીનને સમથળ કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ સરળતાથી પોતાની શાળામાં જઈ શકે તે માટેનો માર્ગ તૈયાર થયો હતો.
રાજ્યભરમાં પડી રહેલા વરસાદના પગલે શાળાના દરવાજા કે કમ્પાઉન્ડ વૉલની આસપાસ ભારે વરસાદના પગલે થોડો સમય પૂરતા પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ આ રીતે કપચી પાથરીને મજબૂત રસ્તો તૈયાર કરતા વિદ્યાર્થીઓનું શાળામાં આવાગમન સરળ રહે છે.
નગરપાલિકાએ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન અટકે તે માટેનું આ પ્રશંસનીય પગલું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ