ગુજરાત પોલીસ દળમાં નવ નિયુક્ત 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ ગાંધીનગર, 08 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પી.એસ.આઇ. તરીકે જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કર્તવ્યરત રહીને નાગરિક દેવો
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

ગાંધીનગર, 08 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પી.એસ.આઇ. તરીકે જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કર્તવ્યરત રહીને નાગરિક દેવો ભવ તથા “વસુધૈવ કુટુંબકમ”ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મંત્રને સાકાર કરવા આહવાન કર્યું હતું.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક આપવામાં આવી છે. આ નવ નિયુક્ત યુવાઓને નિમણૂકપત્ર અર્પણનો ગરિમામય સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહીને નવનિયુક્ત અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈપણ રાજ્યનો વિકાસ શાંતિ અને સલામતી વગર શક્ય નથી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતે દેશના રોલ મોડલ તરીકે તથા રોકાણો વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક વિકાસની જે ખ્યાતિ મેળવી છે તેમાં શાંતિ અને સલામતિના પ્રહરી એવા પોલીસ દળનો સિંહ ફાળો છે.

“તમે સૌ હવે આ પોલીસ દળમાં જોડાયા છો અને સમાજને, તમારા પરિવારને તમારા સૌ માટે ગૌરવ થાય એવું રાજ્ય-રાષ્ટ્રહિતનું દાયિત્વ તમારે સમાજ સાથે રહીને નિભાવવાનું છે” એમ મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલીસ તંત્રમાં કોઈ એક વ્યક્તિનું સારું કાર્ય આખાય ડિપાર્ટમેન્ટને ક્રેડિટ અપાવનારું બની જતું હોય છે. નવ નિયુક્ત યુવાઓએ તેમાંથી પ્રેરણા લઈને સારું શીખીને પોલીસ દળની છબી વધુ ઉજાળવાની છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નિષ્ઠા, પ્રમાણિકતાથી કામ કરનારાઓની સાથે સરકાર હંમેશા ઊભી રહે છે. સૌ સાથે મળીને ગુજરાતને શાંતિ અને સલામતીમાં વધુ સંગીન અને ગૌરવશાળી બનાવીએ તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પારદર્શી ભરતી વ્યવસ્થા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પ્રશંસા કરી હતી અને નવનિયુક્ત યુવાઓને શિસ્તપાલન સાથે ફરજરત રહેવાની શીખ પણ આપી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતા માટે પોલીસ એટલે ગુનેગારોને સીધા કરનારી એક ફોર્સ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ રાજ્યમાં કોરોના મહામારી કે ભારે વરસાદ જેવી કુદરતી આફતો સહિતની કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે, ત્યારે જનતાના રક્ષણ માટે સૌથી પહેલું નામ પોલીસનું જ આવે છે.

નાયબ મુખ્યમંત્રીએ નવનિયુક્ત અધિકારીઓને સંબોધતા કહ્યું કે, કાયદો હાથમાં લેનારા તત્વોને કાયદાનું ભાન કેવી રીતે કરાવવું તે તમને આવડવું જ જોઈએ, અને જો તમારામાંથી કોઈ કાયદો હાથમાં લેશે તો મૃદુ અને મક્કમ એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર કડક હાથે કામ લેવા સક્ષમ છે. સૌથી વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કડક પગલાં ભરીને વહીવટીતંત્રને શુદ્ધ (ગંગાજળ પીવડાવવા) કરવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે.

આજના આધુનિક યુગનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજીના આ જમાનામાં પણ ગુનાશોધનમાં 'ટેક્નિકલ ઇન્ટેલિજન્સ' કરતા 'હ્યુમન ઇન્ટેલિજન્સ' આજે પણ ખૂબ જ મહત્વનું પાસું છે.

ગુજરાત પોલીસના સુદ્રઢીકરણ માટે એક મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2033 સુધીમાં સીધી ભરતી દ્વારા નવી કુલ 50 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં પોલીસ વિભાગમાં કુલ 54509 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી છેલ્લા પાંચ વર્ષમાં જ કુલ 15653 મહિલા કર્મચારીઓની ભરતી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષ 2008 થી અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ જેટલા યુવાનો પોલીસ વિભાગમાં જોડાયા છે, જ્યારે હાલમાં પણ 13500 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

ગૃહ વિભાગના એક મહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, પોલીસ ભરતીની તૈયારી કરતા રાજ્યના મધ્યમ અને સામાન્ય વર્ગના ઉમેદવારો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાતના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે, જેથી કોઈ પણ ગરીબ કે મધ્યમવર્ગીય ઉમેદવારે ખાનગી ક્લાસીસના મોંઘા ખર્ચા ન ભોગવવા પડે.

ુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નિરજા ગોટરુએ નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ભરતી સૌથી ઝડપી તેમજ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. માર્ચ 2024માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કર્યા બાદ આ પ્રથમ સફળ બેચ છે.

મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવા ફોજદારી કાયદાઓ અને તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા ઈન હાઉસ બનાવેલી ઈ મોડ્યુલ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ મહાનિરીક્ષક-વહીવટ ગગનદીપ ગંભીર સહિત પોલીસ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande