
ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં દીપડાના હુમલાની અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના 10 વર્ષીય નિત્ય પ્રવીણભાઈ ગોડલિયા પર દીપડાએ હુમલો કરતાં તેનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, જ્યારે ગ્રામજનોમાં વન્ય પ્રાણીઓના વધતા ખતરાને લઈને ભારે ભયનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નિત્ય સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી પરિવારની વાડીમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો અને તેને ખેંચીને નજીકના વિસ્તારમાં લઈ ગયો. લાંબા સમય સુધી બાળક ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન નિત્ય ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો.
પરિવારજનોએ તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. નિત્ય તેના માતા-પિતાનો એકમાત્ર દીકરો હોવાનું જાણવા મળતાં સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરાં ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને વહેલી તકે પકડી ગામલોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના હુમલાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઘટના સાથે તાલુકામાં વન્ય પ્રાણીના હુમલાથી માનવ મૃત્યુનો ત્રીજો બનાવ નોંધાયો છે. સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વન વિભાગ પાસેથી અસરકારક તેમજ કાયમી સુરક્ષા પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA