સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં રજા; FOSTTA દ્વારા તમામ કાપડ માર્કેટ બંધ
સુરત, 08 જુલાઈ (હિ.સ.) હવામાન વિભાગે આજે પણ સુરત અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં સાવચેતીના ભાગરૂપે શહેરની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA) દ્વારા 8
सूरत में भारी बारिश


સુરત, 08 જુલાઈ (હિ.સ.) હવામાન વિભાગે આજે પણ સુરત અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં સાવચેતીના ભાગરૂપે શહેરની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA) દ્વારા 8 જુલાઈના રોજ સુરતના તમામ કાપડ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

સોમવારે પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક માર્ગો પર એટલું પાણી ભરાયું હતું કે વાહનોની જગ્યાએ બોટ ચાલતી જોવા મળી હતી. ભારે પાણી ભરાવાને કારણે સિટી બસ, BRTS અને એસટી બસની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી.

સુરત શહેર ઉપરાંત કામરેજ, પલસાણા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે સુરતમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ હતી અને જોખમી સપાટીથી ઉપર વહેવા લાગી હતી. ખાડી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળતાં અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને FOSTTAએ તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ સૂચના આપવામાં આવી છે કે જે વેપારીઓની દુકાનો બેઝમેન્ટ અથવા લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી હોય અને જેમને માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવો હોય અથવા કોઈ અત્યંત જરૂરી કામગીરી માટે દુકાન ખોલવાની જરૂર હોય, તેઓએ સંબંધિત માર્કેટ એસોસિએશનની પૂર્વ મંજૂરી લીધા બાદ જ દુકાન ખોલવી.

વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે 1 વાગ્યે પ્રભારી સચિવ, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, કલેક્ટર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

બેઠકમાં નાગરિકોની સુરક્ષા, રાહત અને તાત્કાલિક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહી સંકલિત રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande