

પાટણ, 08 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2026-27થી પાટણ અને મહેસાણા જિલ્લાની કુલ 17 કોલેજો તથા વિવિધ અભ્યાસક્રમોનું જોડાણ ક્રમશઃ અથવા કાયમી ધોરણે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. હવે આ કોલેજોમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠાધરવા સ્થિત ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશનના બી.એડ. અભ્યાસક્રમનું જોડાણ રદ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પણ જોટાણા, કડી, વિસનગર અને વિજાપુર તાલુકાની અનેક બી.એડ., એમ.એડ., બી.બી.એ., બી.સી.એ., એમ.એસસી., એમ.એસ.ડબલ્યુ., બી.વોક. અને ડી.એચ.એસ.આઈ. કોલેજો અસરગ્રસ્ત બની છે.
યુનિવર્સિટીએ જણાવ્યું કે કોલેજોના સંચાલનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં ઉચ્ચ કક્ષાની સમિતિના અહેવાલ બાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સહિત વિવિધ સત્તામંડળોની મંજૂરીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંબંધિત સંસ્થાઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી.
વિસનગરના વાલમ સ્થિત બી.એડ. કોલેજ અંગેનો નિર્ણય હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજીના અંતિમ ચુકાદાને આધીન રહેશે.
યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમને નજીકની અન્ય સંલગ્ન કોલેજોમાં વિશેષ અથવા વધારાની બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. નવી કોલેજોની વિગતો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ