મેયરની અધ્યક્ષતામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક, જર્જરિત શાળાઓ અંગે લેવાશે તાત્કાલિક નિર્ણય
વડોદરા , 08 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં જર્જરિત ઇમારતો અને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે આજે મેયરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના
બેઠક મેયરની


વડોદરા , 08 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં જર્જરિત ઇમારતો અને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે આજે મેયરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી.

બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારી, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ વડોદરા મહાનગરપાલિકાના ચારેય ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરની જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની હાલની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ જર્જરિત શાળાઓનું તકનીકી મૂલ્યાંકન કરવામાં આવશે. જે શાળાઓનું સમારકામ શક્ય હશે ત્યાં તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યારે અત્યંત જર્જરિત અને જોખમી ઇમારતોને ડિમોલિશન કરીને નવી સુવિધાસભર શાળાઓના નિર્માણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

બેઠકમાં હાલ એક જ કેમ્પસમાં બે કે ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી સર્જાતી અવ્યવસ્થા અને શૈક્ષણિક મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે અને કાયમી ઉકેલ આવે તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની સલામતી અને ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાથમિકતા આપીને જરૂરી કામગીરી તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande