


ગાંધીનગર, 08 જુલાઈ (હિ.સ.) આજે સમાજને માત્ર શૈક્ષણિક ડિગ્રીધારક યુવાનો નહીં પરંતુ સમજ, સંસ્કાર, સંવેદના, જવાબદારી અને ચારિત્ર્યથી સમૃદ્ધ યુવાનોની જરૂરિયાત છે. આ જ ભાવનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત 118મી પાંચ દિવસીય નિવાસી સર્વ નેતૃત્વ તાલીમ શિબિર સર્વ વિદ્યાલય, કડી કેમ્પસ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. શૈક્ષણિક વર્ષના પ્રથમ તબક્કામાં યોજાયેલી આ શિબિરમાં સર્વ વિદ્યાલયની વિવિધ 11 કોલેજોના 69 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના વ્યક્તિત્વ વિકાસની એક નવી સફરની શરૂઆત કરી.
શિબિર દરમિયાન જાણીતા પ્રેરણાત્મક વક્તા દિપક તેરૈયા અને ઉમા તેરૈયા મુખ્ય ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આત્મચિંતન, આત્મવિશ્વાસ, મૂલ્યનિષ્ઠ જીવન, સકારાત્મક અભિગમ, અસરકારક સંવાદ, સંબંધોનું મહત્વ અને જવાબદાર નેતૃત્વ જેવા વિષયો પર વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, અનુભૂતિ આધારિત સત્રો અને જીવનસ્પર્શી ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને જીવન ઘડતરની પ્રેરણા આપી હતી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તે માટે દરરોજ વહેલી સવારે ડૉ. કપિલ ત્રિવેદી દ્વારા યોગ, પ્રાણાયામ, આસન અને ધ્યાનના સત્રો યોજાયા હતા જેમાં તમામ યુવાનો ખુબજ ઉત્સાહ સાથે જોડાયા હતા.
શિબિરના સમાપન પ્રસંગે હેલ્પએજ ઇન્ડિયા સાથે છેલ્લા બે દાયકાથી સેવારત ગુજરાત પ્રાંતના હેડ નિલેશ નલવાયા, સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર આશિષ મેકવાન, તેમજ સીનુસર અને પ્રિયંકાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને જીવનમાં સફળતા કરતાં પણ સાર્થકતાનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે, જીવનમાં ટકવું હોય તો મૂળમાં ઉતરવું પડે. તેમણે વિદ્યાર્થીઓને સારા વિચારો, માનવતા, સમાજપ્રત્યેની જવાબદારી અને સેવાભાવને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની હૃદયસ્પર્શી પ્રેરણા આપી હતી.
શિબિરના અંતિમ દિવસે વિદ્યાર્થીઓને હેલ્પએજ ઇન્ડિયાના Elder Line – 14567 કાર્યાલય તેમજ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ (વાનપ્રસ્થ સેવા સમાજ)ની મુલાકાત કરાવવામાં આવી હતી. વૃદ્ધજનો સાથે થયેલા સંવાદ, તેમની જીવનયાત્રાના અનુભવો દ્વારા વિદ્યાર્થીઓમાં સંવેદના, કરુણા અને સામાજિક જવાબદારીના મૂલ્યો સુદ્રઢ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર શિબિરનું સફળ આયોજન અને સંચાલન ડો. ધર્મેન્દ્ર પટેલ, રાહુલ સુખડિયા અને ખુશાલી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પૂર્વ તાલીમાર્થી દેવ, પ્રિન્સ, ઉર્વીશા અને નિકિતાએ સંપૂર્ણ સમર્પણ અને ટીમસ્પિરિટ સાથે શિબિરને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ