
કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે આજે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ દરોડો પાડી વરલી મટકાના જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં એલસીબીની ટીમ આદિપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંતરજાળ સ્થિત રોયલ સીયા સોસાયટી તરફ જવાના ચાર રસ્તા પાસે એક વ્યક્તિ વરલી મટકાનો આંક ફરકનો જુગાર ચલાવી રહ્યો છે.
મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને રેઇડ હાથ ધરી હતી. દરોડા દરમિયાન મગન ઉર્ફે જીન્ગો સુમારભાઈ ધુવા ઉંમર 50 વર્ષ, રહે. રોયલ સીયા સોસાયટી, અંતરજાળ, તાલુકો ગાંધીધામને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ કેસમાં સંડોવાયેલ વસંત ડુંગરશી શાહ, રહે. લીલાશા, ગાંધીધામ પોલીસને હાથ લાગ્યો ન હતો અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન પોલીસે આરોપીના કબ્જામાંથી જુગારની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા રૂ. 11,630 રોકડા, એક મોબાઇલ ફોન કિંમત અંદાજે રૂ. 5,000 તેમજ નોંધપોથી અને બોલપેન સહિત કુલ રૂ. 16,630નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર કેસની આગળની તપાસ અને કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર જુગારના અડ્ડાઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે, જેના કારણે આવા ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar