
કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ફરાર ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલા મિશન ફ્યુજિટિવ અભિયાન હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ (NDPS) કાયદાના ગંભીર ગુનામાં લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરાર રહેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એલસીબીની ટીમ સતત બાતમીદારોના નેટવર્ક અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી રહી છે.
આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળાના નેતૃત્વમાં કાર્યરત એલસીબી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી ગાંધીધામ વિસ્તારમાં હાજર છે. મળેલી બાતમીના આધારે ટીમે સચોટ આયોજન કરી વિવિધ સ્થળોએ વોચ ગોઠવી હતી. અંતે આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ મુબારિક ઉર્ફે મુબારક ઇબ્રાહીમ અજમેરી (ઉંમર 41 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાન રાજ્યના પ્રતાપગઢ જિલ્લાના ગાદોલા ગામના ગાયરી મહોલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 દરમિયાન નોંધાયેલા ગુના ક્રમાંક 1576 હેઠળ એનડીપીએસ એક્ટની કલમ 8(C), 22(B) અને 29 મુજબ ગુનો નોંધાયેલો હતો અને તે ત્યારથી ફરાર હતો. એલસીબીની સચોટ કામગીરીના પરિણામે હવે તેને ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. પટેલ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પૂર્વ કચ્છ પોલીસનું મિશન ફ્યુજિટિવ અભિયાન ફરાર ગુનેગારો સામે અસરકારક સાબિત થઈ રહ્યું છે અને કાયદાથી બચવાનો પ્રયાસ કરનારા આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત્ હોવાનું ફરી એકવાર સ્પષ્ટ થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar