
કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામમાં વર્ષ જૂના વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, એલસીબીએ ચોરાયેલા બે બાઇક સાથે આરોપીને ઝડપી પાડ્યો
પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ એક આરોપીને ચોરાયેલા બે મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે એલસીબીની સતર્ક કામગીરીના કારણે કાયદાના સકંજામાં આવી ગયો છે. આ કાર્યવાહી મિલકત સંબંધિત ગુનાઓ સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને વધુ મજબૂત બનાવે છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વાહનચોરી સહિતના મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળાના નેતૃત્વમાં ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રાગપર ગામનો રહેવાસી ભાવેશ તરશીભાઈ ચાવડા (કોલી) પોતાના ઘરે બહાર બે શંકાસ્પદ મોટરસાયકલ પાર્ક કરીને તેને વેચવાની તૈયારી કરી રહ્યો છે. માહિતીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે બંને મોટરસાયકલ અંગે આધાર પુરાવા માંગતા આરોપી કોઈ સંતોષકારક દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો. ત્યારબાદ કરવામાં આવેલી સઘન પૂછપરછમાં તેણે બંને વાહનો ચોરીના હોવાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે હોન્ડા સાઇન મોટરસાયકલ આશરે એક વર્ષ પહેલાં ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તારમાંથી ચોરાઈ હતી, જે અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. જ્યારે બીજી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મોમાયમોરા ગામ ખાતે આવેલા મોમાય માતાજીના મંદિરના પાર્કિંગમાંથી ચોરી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.
એલસીબીએ બંને મોટરસાયકલ કબ્જે કરીને આરોપી ભાવેશ તરશીભાઈ ચાવડા (કોલી), ઉંમર 25 વર્ષ, રહે. ખડીયાવાસ, પ્રાગપર, તા. રાપરની કાયદેસર અટકાયત કરી હતી. આરોપી પાસેથી અંદાજે રૂ. 30 હજાર કિંમતની હોન્ડા સાઇન અને રૂ. 15 હજાર કિંમતની હીરો સ્પ્લેન્ડર મળી કુલ રૂ. 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર સફળ કામગીરી એલસીબી પૂર્વ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. પટેલ તથા તેમની ટીમના સ્ટાફે સંયુક્ત રીતે પાર પાડી હતી. આ કામગીરીથી વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસની ગુનાશોધક કામગીરીને વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar