
કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં NO DRUGS IN EAST KUTCH CAMPAIGN હેઠળ પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનને આજે વધુ એક મોટી સફળતા ત્યારે મળી જ્યારે ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે અંજાર તાલુકાના શાંતિધામ વિસ્તારમાં દરોડો પાડી ગાંજાના મોટા જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થોના વેચાણ અને હેરફેરને નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ ટીમને બાતમી મળી હતી કે અંજારના શાંતિધામ વિસ્તારમાં રહેતો એક યુવક પોતાની મોટરસાયકલમાં ગાંજાનો જથ્થો લઈને વેચાણ માટે નીકળવાનો છે.
બાતમીના આધારે એસઓજીની ટીમે શાંતિધામ-૧ સોસાયટી નજીક આવેલા હનુમાન ચોક વિસ્તારમાં ગોઠવણ કરી હતી. શંકાસ્પદ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલને અટકાવી તપાસ કરતાં તેમાંથી આશરે 9.540 કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. 4.77 લાખ થાય છે, મળી આવ્યો હતો. પોલીસે તરત જ આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપીની ઓળખ મુકેશ પાંચાભાઈ વાલ્મીડી (ઉંમર 29) તરીકે થઈ છે. તે હાલ અંજાર તાલુકાના માધવનગર, શાંતિધામ વિસ્તારમાં રહે છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચીચોદ્ર ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીના કબજામાંથી ગાંજાના જથ્થા ઉપરાંત એક મોબાઇલ ફોન, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અને રોકડ રકમ મળી કુલ રૂ. 5,48,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી માટે કેસ અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પૂર્વ કચ્છ પોલીસનું કહેવું છે કે જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે ધંધા સામે NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતર્ગત આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાના કડક ચક્રમાંથી બચવા દેવામાં નહીં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar