નીંગાળમાં જાહેર શેરીમાં ધમધમતો જુગારધામ ઝડપાયો: અંજાર પોલીસની ત્રાટકતી રેડમાં 10 જુગારીઓ ઝડપી, ₹1.09 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે અંજાર પોલીસે આજે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. નીંગાળ ગામની જાહેર શેરીમાં ગંજીપાનાં વડે રૂપિયા હાર-જીતનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 10 જુ
નિંગાળના જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે અંજાર પોલીસે આજે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. નીંગાળ ગામની જાહેર શેરીમાં ગંજીપાનાં વડે રૂપિયા હાર-જીતનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 10 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઇલ ફોન અને બે વાહનો સહિત કુલ ₹1,09,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રતનાલ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નીંગાળ ગામની એક જાહેર શેરીમાં અચાનક રેડ કરી હતી. સ્થળ પર કેટલાક લોકો ગંજીપાનાં વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં પોલીસે સદામભાઈ સુલતાનભાઈ થૈયદ, મામદ બાવલા પઢીયાર, અજરૂદીન યાકુબ કેવર, સબ્બિર ઓસમાણ જામ, અકબર મિઠ્ઠાભાઈ સંધાર, નવધણભાઈ વેલાભાઈ ગુજરીયા, હારૂનભાઈ બુઠ્ઠાભાઈ બાફણ, સુલેમાન ઈબ્રાહીમ મથડા, ઈરફાન ફકીરમામદ સંધાર તથા સુલતાન ઓસમાણ જામને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી જુગારમાં વપરાતા ₹41,450ની રોકડ રકમ, આઠ મોબાઇલ ફોન (કિંમત ₹23,000), જીજે-12-ઈયુ-8607 નંબરની એક્ટિવા (કિંમત ₹25,000), જીજે-12-ડીપી-9308 નંબરની ડિલક્સ મોટરસાયકલ (કિંમત ₹20,000) તેમજ ગંજીપાનાં કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,09,450 થાય છે.

અંજાર પોલીસની આ સફળ કાર્યવાહીથી નીંગાળ સહિત આસપાસના વિસ્તારમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પર ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ સતત અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ સમગ્ર કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande