


કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) : સીએસઆર હેઠળ 14 ગામની 40 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની સાથે કરાયો સહયોગ. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને દરેક બાળકને શીખવા માટે સમાન તક મળે તેવા ઉમદા હેતુ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – ન્યૂ એનર્જી પ્રોજેક્ટ દ્વારા સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026-27 અંતર્ગત 5,500 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત રાપર તાલુકાના 14 ગામોમાં આવેલી 40 સરકારી શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કિટ પ્રાપ્ત થતાં જ બાળકોના ચહેરા ખુશી, ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ઝળકી ઉઠ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં સહભાગી બની બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો છે. જેમાં પ્રથમ તબક્કામાં બાલવાટિકા અને ધોરણ-1માં નવા પ્રવેશ મેળવનાર 1,100 બાળકોને શૈક્ષણિક કિટ વિતરીત કરાઇ છે. બીજા તબક્કામાં ધોરણ 2 થી 8માં અભ્યાસ કરતા 4,400 વિદ્યાર્થીઓને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં શૈક્ષણિક કિટ આ૫વામાં આવશે. કુલ 5,500 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનો લાભ મળશે.
કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મહેમાન તરીકે રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના સચિવ તેજસ સોની ઉપરાંત જિલ્લા કક્ષાના વિવિધ અધિકારીઓ, શિક્ષણ વિભાગના તાલુકા અને બ્લોકસ્તરના અને સીઆરસી કો-ઓર્ડિનેટરો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિવિઘ ગામના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મન લગાવીને ભણવા સાથે બાળકોને નિયમિત શિક્ષણ, સારા સંસ્કાર અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભવિષ્યમાં પણ શિક્ષણ અને સમાજ વિકાસ માટે આવી માનવકેન્દ્રી અને લોકોપયોગી પહેલો દ્વારા સમુદાયના વિકાસમાં યોગદાન આપતી રહેશે તેમ ૫ણ જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar