
કચ્છ, 08 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ફરાર આરોપીઓને ઝડપી કાયદાની પકડમાં લાવવા માટે હાથ ધરાયેલા મિશન ફ્યુજીટિવ અભિયાન હેઠળ રાપર પોલીસે આજે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોક્સો અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલો આરોપી આખરે રાપર શહેરમાંથી ઝડપાઈ ગયો છે. પોલીસની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગંભીર ગુનામાં ફરાર આરોપીને ફરી કાયદાની પકડમાં લાવવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓ, પેરોલ જમ્પરો તેમજ વચગાળાના જામીન પર નાસી છૂટેલા ગુનેગારોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર. એલ. ખટાણા અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સક્રિય હતી.
તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2018ના અપહરણ, પોક્સો અને બળાત્કારના ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલો આરોપી વિસાભાઈ લક્ષમણભાઈ ચૌધરી, રહે. મોટા જોરાપુર, તા. સમી, જી. પાટણ, રાપરના ગેલીવાડી વિસ્તારમાં જોવા મળ્યો છે. આ આરોપી સાબરમતી જેલમાંથી પેરોલ પર મુક્ત થયા બાદ પરત જેલમાં હાજર થયો ન હોવાથી પેરોલ જમ્પર તરીકે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે આરોપી સામે અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા અન્ય ગુનામાં તેને પકડવાનો વોરંટ બાકી હતો. મળેલી બાતમીના આધારે પોલીસે ગેલીવાડી વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને આગળની કાર્યવાહી માટે શાહપુર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
રાપર પોલીસની આ સફળ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર આર. એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ ટીમ દ્વારા સુનિયોજિત આયોજન અને ઝડપી એક્શનના પરિણામે શક્ય બની હતી. ગંભીર ગુનામાં સજા પામેલા અને પેરોલનો દુરુપયોગ કરીને ફરાર બનેલા આરોપીની ધરપકડ થતાં પોલીસ વિભાગની કામગીરીને વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar