સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાખો સાડીઓ બગડતાં કરોડો રૂપિયાનું નુકસાન, રક્ષાબંધન પહેલાં વેપારીઓ મુશ્કેલીમાં
સુરત, 08 જુલાઈ (હિ.સ.) સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પૂરથી શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખાસ કરીને રિંગ રોડ અને આસપાસની અનેક કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી અને ગંદા પાણી ઘૂસી જતાં મો
Surat


સુરત, 08 જુલાઈ (હિ.સ.) સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પૂરથી શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખાસ કરીને રિંગ રોડ અને આસપાસની અનેક કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી અને ગંદા પાણી ઘૂસી જતાં મોટી માત્રામાં તૈયાર માલ નષ્ટ થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે એક કરોડ જેટલી સાડીઓ પાણી અને કાદવના કારણે વેચાણલાયક રહી નથી, જેના કારણે સમગ્ર માર્કેટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અગાઉથી જ નવા સ્ટોકની ખરીદી કરી રાખી હતી. જોકે અચાનક આવેલા પૂરથી દુકાનોમાં રાખેલો કિંમતી માલ બચાવવાનો સમય જ મળ્યો નહીં. પ્રાથમિક અંદાજ મુજબ ટેક્સટાઇલ ઉદ્યોગને રૂ. 200 કરોડથી વધુનું સીધું નુકસાન થયું છે. સાડીઓ ઉપરાંત કાપડના તાકા, પેકિંગ સામગ્રી, કમ્પ્યુટર અને અન્ય સાધનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વેપારીઓ માટે સ્થિતિ વધુ વિકટ બની છે.

ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે કે ભારે વરસાદ બાદ ખાડીઓના બેકવોટર અને ગટરના ગંદા પાણી માર્કેટોમાં ફરી વળતાં નુકસાનનું પ્રમાણ વધી ગયું. બીજી તરફ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા બહારગામ મોકલાતા કાપડના સપ્લાય પર પણ અસર પડી છે અને અનેક ઓર્ડર અટવાઈ ગયા છે. વેપારીઓએ સરકાર પાસે નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને વિશેષ સહાય આપવાની માંગ કરી છે, જેથી ઉદ્યોગ ફરીથી ગતિ પકડી શકે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande