

- એક લાખની ગાયની વાછરડીનો શિકાર દીપડાએ કરતા ગાય દોહવા નહીં દેતા ખેડૂત મુશ્કેલીમાં
- પશુપાલક રોનક પટેલને મોટું આર્થિક નુકસાન વન વિભાગ ત્વરિત પાંજરૂ ગોઠવે તેવી માંગ કરી
ભરૂચ, 08 જુલાઈ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પંથકમાં દીપડાના હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યો. વાલિયાના કેસરગામ ખાતે મોડી રાત્રે એક દીપડાએ રહેણાંક વિસ્તારની નજીક આવી એક કિંમતી વાછરડી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકના પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વાલિયા તાલુકાના કેસરગામ ઇટકલા ખાતે રહેતા પશુપાલક રોનક દિનેશભાઈ પટેલની ગાયની વાછરડી પર ગત રાત્રે દીપડો ત્રાટક્યો હતો. રાત્રિના આશરે 2 થી 3 વાગ્યાના અરસામાં અંધારાનો લાભ લઈ હિંસક દીપડો પશુપાલકના ઘર પાસે ધસી આવ્યો હતો. દીપડાએ વાછરડીના પેટના ભાગે ગંભીર રીતે કરડીને તેને ફાડી ખાધી હતી, જેના કારણે વાછરડીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સવારે જ્યારે પશુપાલક રોનક પટેલ પશુઓને નીરણ પાણી કરવા ગયા ત્યારે વાછરડી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પશુપાલકે ઘટનાસ્થળના લાઈવ લોકેશન અને ફોટા સાથે વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ વિસ્તારમાં અવારનવાર દીપડાની અવરજવર જોવા મળે છે, પરંતુ હવે રહેણાંક વિસ્તારની આટલી નજીક આવીને પશુઓનો શિકાર શરૂ થતાં લોકો પોતાના બાળકો અને માલઢોરની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ભોગ બનનાર પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ દીપડાને પાંજરે પૂરવા માટે કેસરગામમાં પાંજરૂ ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ