
ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના પગલે માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને વધારાનું પાણી ઓવરફ્લો થવા લાગ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં મનોહર દૃશ્યો સર્જાયા છે, જેને નિહાળવા લોકો પણ ઉમટી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ઉપરવાસમાં સારો વરસાદ નોંધાતા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. વરસાદની સ્થિતિ યથાવત રહેતાં આગામી દિવસોમાં પણ પાણીની આવક ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેમ ઓવરફ્લો થતાં માલણ નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે નદી ફરી જીવંત બની છે.
ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના સંગ્રહથી સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેનાથી આગામી ખેતીની સિઝનમાં ખેડૂતોને લાભ મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં નજારો જોવા માટે પહોંચી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ડેમના ઓવરફ્લો વિસ્તાર, નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ન કરવા તેમજ સેલ્ફી લેવા કે જોખમી સ્થળોએ જવાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ડેમમાં પાણીની આવક યથાવત રહેવાની શક્યતા છે. હાલ માલણ ડેમના ઓવરફ્લોથી સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA