ઉંઝામાં ટિફિન પહોંચાડનાર પર વિશ્વાસ ભારે પડ્યો, વેપારીના રૂ. 1.90 લાખની રોકડની ચોરી
મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) : ઉંઝા શહેરમાં વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દરરોજ જમવાનું ટિફિન પહોંચાડતા શખ્સે વેપારીના ફ્લેટની ચાવીનો દુરુપયોગ કરી રૂ. 1.90 લાખની રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉંઝા પોલીસ સ્ટેશનમાં પાલ
ઉંઝામાં ટિફિન પહોંચાડનાર પર વિશ્વાસ ભારે પડ્યો, વેપારીના રૂ. 1.90 લાખની રોકડની ચોરી


મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) : ઉંઝા શહેરમાં વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દરરોજ જમવાનું ટિફિન પહોંચાડતા શખ્સે વેપારીના ફ્લેટની ચાવીનો દુરુપયોગ કરી રૂ. 1.90 લાખની રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉંઝા પોલીસ સ્ટેશનમાં પાલનપુરના પ્રકાશભાઈ જોષી વિરુદ્ધ ચોરી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે.

ફરિયાદી અનિલકુમારસિંગ રાજપુત ગંગાપુરા રોડ પર આવેલા શ્રીનાથજી ફ્લેટમાં રહે છે અને ગંજ બજાર નજીક જીરા-વરિયાળીનો વેપાર કરે છે. વેપારના કારણે મોડું થતું હોવાથી તેમણે ટિફિન પહોંચાડતા પ્રકાશભાઈને ફ્લેટની એક ચાવી આપી હતી. પ્રકાશભાઈ વેપારીઓ ગેરહાજર હોય ત્યારે ચાવીથી ફ્લેટ ખોલી ટિફિન અંદર મૂકી જતા હતા.

23 જૂને વેપારીઓએ રૂ. 1.90 લાખ રોકડ ફ્લેટમાં રાખી હતી. 26 જૂને બેંકમાં જમા કરાવવા માટે બેગ તપાસતા રોકડ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. વેપારીઓએ સંપર્ક કરતા આરોપીએ ફોન પર પૈસા લીધાની કબૂલાત કરી ટૂંક સમયમાં પરત આપવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ મોબાઇલ બંધ કરી ફરાર થઈ ગયો હતો.

આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉંઝા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande