





છોટાઉદેપુર, 08 જુલાઈ (હિ.સ.) : સમાજમાં જ્યારે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે, ત્યારે પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન રાઠવાએ પોતાના જન્મદિવસની એક તદ્દન અલગ અને અનોખી રીતે ઉજવણી કરીને સમગ્ર સમાજને એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તેમણે મોંઘા આયોજનો કરવાના બદલે દેશના ભવિષ્ય સમાન સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ સાથે પોતાના જીવનનો આ વિશેષ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમના આ સેવાભાવી કાર્યથી પંથકના શિક્ષણ જગત અને ગ્રામજનોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.
આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની વિવિધ અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નયનાબેન રાઠવાએ રૂબરૂ જઈને વાંકોલ પ્રાથમિક શાળા, મેસરા પ્રાથમિક શાળા, હિરપરી પ્રાથમિક શાળા, રતનપુર પ્રાથમિક શાળા તેમજ અન્યાદ્રી ૧, ૨, ૩ અને ૪ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ તમામ શાળાઓના બાળકોને પ્રમુખના હસ્તે પેન, પેન્સિલ અને રબર જેવી રોજિંદા અભ્યાસમાં અત્યંત ઉપયોગી એવી શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.નયનાબેન રાઠવાએ માત્ર શૈક્ષણિક કીટ આપીને જ સંતોષ ન માન્યો, પરંતુ શાળાના તમામ નાના-મોટા વિદ્યાર્થીઓને પોતાના હાથે ચોકલેટ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. બાળકોના ચહેરા પરની નિર્દોષ મુસ્કાન જોઈને સમગ્ર વાતાવરણ ખુશહાલ બની ગયું હતું. વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસની ખુશીમાં સહભાગી બનાવીને તેમણે સાબિત કર્યું કે સાચી ખુશી વહેંચવાથી જ વધે છે.આ અનોખા અને પવિત્ર કાર્ય પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ શાળાઓના આચાર્યો, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોએ પ્રમુખ નયનાબેન રાઠવાના આ સેવાભાવી અને શિક્ષણ પ્રત્યેના સકારાત્મક અભિગમને મુક્ત કંઠે બિરદાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, એક લોકપ્રતિનિધિ જ્યારે આ પ્રકારે સરકારી શાળાના ગરીબ અને મધ્યમવર્ગના બાળકોની ચિંતા કરે છે, ત્યારે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે છે.
ઉપસ્થિત સૌ કોઈએ નયનાબેનને પુષ્પગુચ્છ અને શુભેચ્છાઓ આપી તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના કરી હતી. પોતાના અભ્યાસ માટેની નવી નકોર શૈક્ષણિક સામગ્રી હાથમાં મળતાં જ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા અને તેમણે પણ તાળીઓના ગડગડાટ સાથે પ્રમુખશ્રીને જન્મદિવસની હેપી બર્થ ડે કહીને શુભેચ્છા પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણી પાવીજેતપુર તાલુકાના અન્ય આગેવાનો અને નાગરિકો માટે પણ પોતાના વ્યક્તિગત પ્રસંગો લોકઉપયોગી કાર્યો કરીને ઉજવવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ