
વડોદરા,08 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના વાસણા-ભાયલી વિસ્તારમાં આવેલા ગેલેક્સી બંગ્લોઝ નજીક 9 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાયા હતા.
મગર દેખાતાં સ્થાનિકોએ તાત્કાલિક ગૌ રક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓને જાણ કરી હતી. માહિતી મળતાં જ કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને જરૂરી સાવચેતી સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહાકાય મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો.
ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી મગરને પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી. જોકે, ચોમાસાની ઋતુમાં નદી, તળાવ અને જળાશયો આસપાસના વિસ્તારોમાં મગરો બહાર આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને સાવચેત રહેવા અને આવા કોઈપણ વન્યજીવ દેખાય તો તાત્કાલિક વન વિભાગ અથવા સંબંધિત બચાવ ટીમને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ