જામનગરની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ : પતિ સહિત 5 સાસરિયાંઓ સામે ફરિયાદ
જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગરના મહિલા પોલીસ મથકે નગરની એક પરિણીતાએ પોતાના પતિ સહિત પાંચ સાસરિયાં વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 85, 115(2), 352 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ
ફરિયાદ


જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગરના મહિલા પોલીસ મથકે નગરની એક પરિણીતાએ પોતાના પતિ સહિત પાંચ સાસરિયાં વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 85, 115(2), 352 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ જામનગરના ખોજા ચકલો વિસ્તારમાં રહેતી શબીનાબેનના નિકાહ તા.13 મે 2024ના રોજ પોરબંદરના મહમદહુશેન યુનુશભાઈ ધામણીયા સાથે મુસ્લિમ શરીયત મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ પોરબંદરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નના થોડા સમય બાદથી જ પતિ યોગ્ય રીતે વાત કરતા ન હતા, પત્ની તરીકેનો દરજ્જો આપતા ન હતા તેમજ નાની-નાની બાબતે ઝઘડો કરી ગાળાગાળી અને મારકૂટ કરતા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે લગ્નના આશરે એક મહિના બાદ પતિ તથા દિયર આફ્રિકા જતા રહ્યા હતા, ત્યારબાદ સાસુ ઘરકામની બાબતોમાં, સસરા રસોઈની બાબતે, નણંદ અને દિયર પણ વારંવાર વાંક કાઢી ઝઘડા કરી ગાળાગાળી અને મારકૂટ કરતા હતા. આ રીતે તમામ સાસરિયાં દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પરિણીતાએ એક વર્ષ સુધી પતિ વિના સાસરે રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ પતિ થોડા સમય માટે પરત આવ્યા હોવા છતાં તેમણે પત્ની તરીકે સ્વીકાર કે સન્માન આપ્યું ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અંતે પીડિતા પોતાની બહેન સાથે જામનગર ખાતે પિયર આવી રહેવા લાગી હતી, અને સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી.

આ મામલે અગાઉ મહિલા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી અને કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. જોકે સમાધાન ન થતાં પરિણીતાએ પોતાની માતા સાથે મહિલા પોલીસ મથકે હાજર રહી પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande