

વડોદરા ,08 જુલાઈ (હિ.સ.) વડોદરા: શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી વિસ્તારમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ચોમાસાની શરૂઆત સાથે જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડતાં અને ડામર ઉખડી જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ પડતાં જ માર્ગ પર પાણી ભરાઈ જાય છે. પાણી ભરાઈ જવાથી ખાડાઓ દેખાતા ન હોવાથી બાઇકચાલકો અને અન્ય વાહનચાલકો અચાનક ખાડામાં ફસાઈ જાય છે, જેના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
રહીશોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓના વાહનો પણ અવરજવર કરે છે. આવી સ્થિતિમાં રસ્તાની ખરાબ હાલતને કારણે ઇમરજન્સી સમયે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે વોર્ડ નં. 14ના કોર્પોરેટરે તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, માર્ગના સમારકામ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
કોર્પોરેટરે તાત્કાલિક ખાડાઓનું પુરાણ, માર્ગનું સમારકામ અને નવા રોડના નિર્માણની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશો સાથે મળીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
ચોમાસાની ઋતુમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની હાલત સામે આવતાં ફરી એકવાર માર્ગ જાળવણી અને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તંત્રને અકસ્માતની કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ