
ભાવનગર, 08 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરમાં આગામી તા. 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 40 વર્ષથી પરંપરાગત રીતે યોજાતી આ રથયાત્રા આ વર્ષે 41મા વર્ષે પ્રવેશી રહી છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે રથયાત્રાના સમગ્ર રૂટની સુરક્ષા અને સુવિધાઓ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રથયાત્રાના માર્ગમાં આવતી ઝાડની ડાળીઓનું કટીંગ, સતત વીજ પુરવઠો જળવાઈ રહે, રસ્તાઓની સફાઈ, માર્ગમાં અવરોધરૂપ વાયર દૂર કરાવવા, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા તેમજ અન્ય નાગરિક સુવિધાઓ સમયસર પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી. સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કરવામાં આવનારી સુરક્ષા વ્યવસ્થાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
રથયાત્રા મહોત્સવ સમિતિના હરૂભાઈ ગોંડલીયાએ રથયાત્રા પરંપરાગત રૂટ પર નિર્વિઘ્ન રીતે પસાર થાય તે માટે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. તેમણે માર્ગ પરની સુવિધાઓ, વિવિધ વિભાગોની મંજૂરીઓ અને તંત્રના સહયોગ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી.
બેઠકમાં રથયાત્રાને ભવ્ય, સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તંત્ર અને રથયાત્રા સમિતિ વચ્ચે સુમેળભર્યો સંકલન જાળવી જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં યોજાનારી આ ઐતિહાસિક રથયાત્રાને લઈને ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA