કલારાણી–પાવીજેતપુર નવી બસ સેવા શરૂ થતાં ભેંસાવહી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને રાહત
- અંતરિયાળ ગામોને તાલુકા મથક સાથે સીધું જોડાણ મળતાં ગ્રામજનોમાં ખુશી. છોટાઉદેપુર, 08 જુલાઈ (હિ.સ.) : પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામેથી વાયા કોહીવાવ, ચુડેલ અને ભેંસાવહી થઈ પાવીજેતપુર સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.ની નવી બસ સેવા શ
બસ સેવા


બસ સેવા


બસ સેવા


બસ સેવા


- અંતરિયાળ ગામોને તાલુકા મથક સાથે સીધું જોડાણ મળતાં ગ્રામજનોમાં ખુશી.

છોટાઉદેપુર, 08 જુલાઈ (હિ.સ.) : પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામેથી વાયા કોહીવાવ, ચુડેલ અને ભેંસાવહી થઈ પાવીજેતપુર સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.ની નવી બસ સેવા શરૂ કરવામાં આવતા ભેંસાવહી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 50 થી વધુ વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. સાથે જ અંતરિયાળ ગામોના ગ્રામજનોને પણ તાલુકા મથક સુધી સીધું બસ જોડાણ મળતાં ખુશીની લાગણી વ્યાપી છે.

અત્યાર સુધી વાવડી, કોશિયા, કોહીવાવ, તંબોલીયા, ચુડેલ સહિતના ગામોના વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જાહેર પરિવહનની સુવિધાના અભાવે અનેક વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરવી પડતી હતી. સમયસર શાળાએ પહોંચી શકતા ન હોવાથી તેમના અભ્યાસ પર પણ વિપરીત અસર થતી હતી.

આ સમસ્યાને ધ્યાનમાં રાખી ભેંસાવહી હાઈસ્કૂલના આચાર્ય ડી.સી. કોલીએ સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈનું ધ્યાન દોરતાં તેમણે પણ રસ લઈને જરૂરી કાર્યવાહી કરાવી હતી. જેના પરિણામે નવી બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

નવી બસ સેવા અંતર્ગત બસ રાત્રિ રોકાણ કલારાણી ખાતે કરશે. સવારે કલારાણીથી નીકળી માર્ગમાં આવેલા અંતરિયાળ ગામોમાંથી વિદ્યાર્થીઓને લઈ અંદાજે સવારે ૧૦ વાગ્યા સુધી ભેંસાવહી હાઈસ્કૂલ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને પરત પોતાના ગામે પહોંચાડવા માટે પણ અનુકૂળ સમયપત્રક ગોઠવવામાં આવ્યું છે.

આ નવી બસ સેવા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ કલારાણી, કોહીવાવ, ચુડેલ, ભેંસાવહી સહિતના અંતરિયાળ ગામોના લોકો માટે પણ તાલુકા મથક પાવીજેતપુર સુધી અવરજવર સરળ બનાવશે, જેના કારણે શિક્ષણ ઉપરાંત આરોગ્ય, સરકારી કામગીરી અને રોજિંદા વ્યવહારમાં પણ મોટી સુવિધા મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande