
જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગરની જીલ્લા જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેમાં ૩ મહિના પહેલા જેલ અંદરથી બિનવારસુ મળી આવેલા મોબાઇલની સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેટલાક ચોકાવનારા ખુલાશા થઇ રહયા છે. ૪ આરોપીઓને પકડી એક દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યા છે, દરમ્યાન જેલમાં સીમકાર્ડ ઘુસાડનાર રાજકોટ જેલમાં રહેલા વધુ એક કેદીનો જામનગર પોલીસે કબ્જો લીધો છે, આરોપીઓ દ્વારા મોબાઇલ મારફત કોની કોની સાથે વાત કરી એ સહિતની તપાસની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહયો છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તેમજ નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જેલમાં મળી આવેલ બિનવારસુ મોબાઇલનો ઉપયોગ કરતા ઇસમોને પકડી પાડવા અને જેલમાં મોબાઇલ ફોનના મળી આવેલ જે બાબતે સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩, ૩૧૬(૨), ૬૧(૨) તથા પ્રિઝન એકટની કલમ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પીઆઇ આઇ.એ. ધાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.
જેમાં પીએસઆઇ એચ.કે. ઝાલા તથા ટીમ દ્વારા ઉપરોકત ગુના અંગેની ટેકનીકલ માહિતી એકત્ર કરી તેનુ એનાલીસીસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ હાલ જિલ્લા જેલ ખાતે રહેલાનુ જણાઇ આવતા આરોપીઓનો જિલ્લા જેલ ખાતેથી કબ્જો મેળવી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ વિરુઘ્ધ આગળની ધોરણસર કાર્યવાહી કરી હતી.
પકડાયેલ આરોપીઓમાં જાફરઅલી ઉમર બુચડ રહે. સચાણા, મોઇન ઉમર સફીયા રહે. ખાખીનગર, દીલીપ દીનેશ પરમાર રહે. ઇન્દીરા કોલોની, ઇમ્તીયાજ રહેમતુલ્લા મુંદ્રાક રહે. ધરારનગર જામનગરનો સમાવેશ થાય છે. આ શખ્સોની વધુ પુછપરછ કરવા કોર્ટમાં રજુ કરીને એક દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યા છે.
આરોપીઓએ જેલની અંદર મોબાઇલનો ઉપયોગ કરી કોની કોની સાથે વાતચીત કરી ઉપરાંત ફોનનો ઉપયોગ કોઇ ગુનાને અંજામ આપવામાં થયો છે કે કેમ તેમજ મોબાઇલ ફોન બાબતે તપાસ કાર્યવાહી તેજ બનાવવમાં આવી છે. બીજી બાજુ તપાસનીસ ટીમ દ્વારા આ પ્રકરણમાં જીલ્લા જેલમાં સીમકાર્ડ પહોચાડનાર વધુ એક કેદીનો કબ્જો રાજકોટથી લેવામાં આવ્યો છે. જેની પુછપરછ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt