




- મિશન 2047’ અંતર્ગત પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી 20 વર્ષનો રોડ મેપ રજૂ કરાયો
ચિંતન શિબિરમાં એક સંકલ્પ તંદુરસ્ત સમાજ કી ઓર વિષય પર ચર્ચા કરવામાં આવી હતી
સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ ભાવુક અને પ્રેરણાદાયી પ્રવચન આપીને સૌને મંત્રમુગ્ધ કર્યા
ભરૂચ, 08 જુલાઈ (હિ.સ.) : સરદારધામ દ્વારા અમદાવાદ ખાતે સરદારધામના સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, જીપીબીઓ અને યુવા સંગઠન હોદ્દેદારોની બે દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિરના બીજા દિવસે એક સંકલ્પ તંદુરસ્ત સમાજ કી ઔર વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારના રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ ટ્રસ્ટીઓએ પોતાનો અમૂલ્ય સમય આપીને શિબિરમાં જોડાયા હતા. સરદારધામના 2016 થી 2026 ના સફળ રોડમેપ બાદ પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી 20 વર્ષનું એટલે કે 2047 સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આ તમામ ટ્રસ્ટીઓએ સાથે મળીને વિચાર મંથન કર્યું હતું.
ચિંતન શિબિરના આજના દ્વિતીય દીવસે પણ ખૂબ મોટી સંખ્યામાં સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, જીપીબીઓ- યુવા સંગઠન હોદ્દેદારો તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ ભાગ લીધો હતો.આજની આ ચિંતન શિબિરમાં એક સંકલ્પ તંદુરસ્ત સમાજ કી ઓર વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર સમાજના તમામ સભ્યો શારીરિક અને માનસિક રીતે કઈ રીતે તંદુરસ્ત રહી શકે એના માટે શું કરવું જોઈએ એ બાબતે મનોમંથન કરવામાં આવ્યું હતું .તમામ લોકોએ તારણો રજૂ કર્યાં હતા એ તારણો તમામની સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને વ્યસન મુક્તિ, નિયમિતતા શુદ્ધ અને સાત્વિક ભોજન વગેરે જેવા ઘણા બધા મુદ્દાઓ પ્રસ્તુત થયા હતા અને તેને અમલમાં મૂકીને સમાજ વધુ તંદુરસ્ત બને તે માટેના સંકલ્પો થયા હતા.
સરદારધામ દ્વારા આયોજિત ચિંતન શિબિરના સમાપન સમારોહમાં પાટીદાર સમાજ અને ખાસ કરીને યુવા પેઢીના ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ રોડ મેપ રજૂ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના અંતે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ ભાવુક અને પ્રેરણાદાયી પ્રવચન આપીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
યુવાનોના હાથમાં સોંપાશે ‘મિશન 2047’ની કમાન
ચિંતન શિબિરમાં ‘મિશન 2047’ અંતર્ગત આગામી 20 વર્ષો માટે પાટીદાર સમાજના સર્વાંગી વિકાસની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગગજી સુતરીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ તૈયાર કરાયેલો રોડ મેપ હવે યુવાનો દ્વારા જ આગળ વધશે અને તે ક્ષમતા માત્ર દેશના યુવાધન પાસે જ છે.જો યુવાનો પોતાની અસીમ શક્તિઓનો સકારાત્મક અને સાચી દિશામાં ઉપયોગ કરે, તો સમાજમાં ખૂબ જ મોટું અને ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેમ છે. હવે સમય આવી ગયો છે કે યુવાનોને આગળ લાવીને તેમને વિશેષ અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવે, જેથી ‘મિશન 2047’ ના લક્ષ્યોને સમયસર સિદ્ધ કરી શકાય.
કાર્યક્રમના અંતે ચિંતન શિબિરના સમાપનમાં સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ ખૂબ ભાવુક પ્રવચન કર્યું હતું. મિશન 2047 અંતર્ગત આગામી 20 વર્ષનો પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટેનો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો પણ એ રોડ મેપ હવે યુવાનો દ્વારા જ આગળ વધશે એવી ભાવના એમણે વ્યક્ત કરી હતી. યુવાનોને ખૂબ મહત્વ આપીને જો યુવાનો એમની શક્તિનું સકારાત્મક ઉપયોગ કરિયે તો સમાજમાં ખૂબ મોટું પરિવર્તન આવી શકે એ વાત એમણે કરી હતી અને યુવાનોને વિશેષ જવાબદારીઓ આપવા માટે પણ એમણે અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ