

ગાંધીનગર, 08 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’નું જીવંત ઉદાહરણ બની રહ્યું છે પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ પ્રાગૈતિહાસિક અને આધ્યાત્મિક સ્થળને હવે વૈશ્વિક ફલક પર ઝગમગતું બનાવવા માટે ગુજરાત સરકાર તથા તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાનિંગ પર કાર્ય ચાલી રહ્યં છે.
સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત માધવપુર ગામમાં એક-એક કિલોમીટરના વ્યાસમાં આવેલા તમામ પૌરાણિક સ્થળોને એક સુંદર સૂત્રમાં ગૂંથવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં ₹47.99 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ મજબૂત પાયા પર આગળ વધતા બીજા તબક્કાની કામગીરી હાથ ધરવાની તૈયારીઓ કરાઈ રહી છે. પ્રથમ તબક્કામાં શ્રી રુક્મિણી માતાજી મંદિર, લગ્નવેદીની સાક્ષી ‘ચોરી માયરા’, પવિત્ર બ્રહ્મકુંડ અને ભવ્ય મુખ્ય પ્રવેશદ્વારનું સફળ લોકાર્પણ સ્વયં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી ચૂક્યું છે. હવે બીજા તબક્કાનું કામ સંપૂર્ણ ગતિ સાથે શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના વિકાસ કાર્યોને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહ્યા છે. બીજો તબક્કો બે વર્ષની અંદર પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
બીજા તબક્કાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભગવાન માધવરાયજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે. ₹20.25 કરોડના ખર્ચે આ ઐતિહાસિક મંદિરને નવું સ્વરૂપ આપવામાં આવશે. આ કાર્ય પૂર્ણ થતાં અહીં આધ્યાત્મ, ઇતિહાસ અને પ્રાચીન સ્થાપત્યકળાનો અદ્વિતીય સંગમ જોવા મળશે.
માધવરાયજી મંદિર પાસે આવેલા દરિયાકિનારાને નવા પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં કુલ 200 મીટર લાંબા વિસ્તારમાં બીચ ડેવલપમેન્ટ કરવામાં આવશે. પર્યટકોની મૂળભૂત સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ફૂડ કિઓસ્ક, હાઈટેક ટોયલેટ્સ અને બેઠકોની અત્યંત સુંદર વ્યવસ્થા (ફૂડ કોર્ટ સિટિંગ) તૈયાર કરવામાં આવી રહી છે.
માધવપુર મેળા અને તહેવારો દરમિયાન ઉમટતી ભારે ભીડના સુગમ સંચાલન માટે મંદિર પરિસરના બાહ્ય ભાગનો સુવ્યવસ્થિત વિકાસ કરવામાં આવી રહ્યો છે. ₹5.31 કરોડના ખર્ચે બનનારો આ વિશાળ આઉટર પ્લાઝા અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ શ્રદ્ધાળુઓના અવરજવરને અત્યંત સરળ અને સુરક્ષિત બનાવશે.
કનેક્ટિવિટીને નવું વિસ્તરણ આપવા માટે માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વમાં મહત્વપૂર્ણ પાયાના કામો શરૂ થયા છે. તેના અંતર્ગત સ્થાનિક કાચબા ઉછેર કેન્દ્રથી સીધા માધવરાયજી મંદિર સુધી પહોંચતા માર્ગને 9 મીટર સુધી પહોળો કરવામાં આવી રહ્યો છે, જેથી સાંકડા રસ્તાઓની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.
યુવા પેઢી અને આધુનિક પર્યટકોને આકર્ષવા માટે આ ધાર્મિક પરિસરને નવો લુક આપવામાં આવી રહ્યો છે. ₹3.45 કરોડના બજેટથી સમગ્ર વિસ્તારમાં ભવ્ય લેન્ડસ્કેપ, રંગબેરંગી ફાઉન્ટેન, સનાતન સંસ્કૃતિ દર્શાવતી વિવિધ કલાત્મક મૂર્તિઓ (સ્કલ્પચર્સ), સ્પષ્ટ સાઇનબોર્ડ્સ અને આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે.
પરિસરની સુંદરતામાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ મૂળભૂત લાઇનોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ વિસ્તારમાં એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ અને વૃક્ષો-છોડ તથા લેન્ડસ્કેપની હરિયાળી સદાબહાર રહે તે માટે આધુનિક ઇરિગેશન (સિંચાઈ) સિસ્ટમનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતું માધવપુરનું આ નવું અને ભવ્ય સ્વરૂપ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને નવું બળ આપશે, અને સાથે-સાથે સ્થાનિક સ્તરે રોજગાર અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર પણ ખોલશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ