

વડોદરા , 08 જુલાઈ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાના ફાયર NOC વિવાદમાં આજે નવો વળાંક આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા ફાયર અધિકારીએ મીડિયા સમક્ષ હાજર રહી પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
સસ્પેન્ડેડ અધિકારીએ જણાવ્યું કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સહી અંગે કરવામાં આવી રહેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તેમના જણાવ્યા મુજબ, જો કોઈને શંકા હોય તો સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરાવી શકાય છે.
તેમણે વધુમાં દાવો કર્યો કે અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું. તેમના કહેવા મુજબ, ફાયર NOC જારી કરવાની સમગ્ર પ્રક્રિયા નિયમો અને સત્તાવાર સિસ્ટમ મુજબ કરવામાં આવે છે. પોતાના કાર્યકાળ દરમિયાન અંદાજે 1,600 જેટલી ફાયર NOC મંજૂર કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.
સસ્પેન્ડેડ અધિકારીએ એવો પણ દાવો કર્યો કે કેટલીક ફાયર NOC તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જારી થઈ હતી. જો તે સમયગાળા દરમિયાન કોઈ ગેરરીતિ, ડમી સહી અથવા અન્ય પ્રકારનું કૌભાંડ થયું હોય તો તેની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે જણાવ્યું કે જો તપાસમાં તેઓ દોષિત સાબિત થાય તો તેમની સામે FIR નોંધાય અથવા કાયદેસરની કાર્યવાહી થાય તેનો સામનો કરવા તેઓ તૈયાર છે.
બીજી તરફ, કોંગ્રેસના વોર્ડ નં. 15ના કાઉન્સિલર આશિષ જોશીએ અગાઉ RTIના આધારે આક્ષેપ કર્યો હતો કે ચીફ ફાયર ઓફિસર વિદેશમાં હોવા છતાં તેમની સહીથી ફાયર NOC જારી કરવામાં આવી હતી. તેમણે બોગસ NOC, સંભવિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. બંને પક્ષોએ પોતાના-પોતાના દાવા રજૂ કર્યા છે અને આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ