સુરતમાં ભારે વરસાદ બાદ ત્રણ મુખ્ય ખાડીઓ છલકાઈ, પૂર નિયંત્રણના દાવા સામે પ્રશ્નો ઊભા
સુરત, 08 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ જ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શહેરની પાંચ મુખ્ય ખાડીઓમાંથી ત્રણ ખાડીઓ જોખમી સપાટી વટાવીને ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો ઉપરાંત અગાઉ ક્યારેય અસર ન થયેલા
Surat


સુરત, 08 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ જ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શહેરની પાંચ મુખ્ય ખાડીઓમાંથી ત્રણ ખાડીઓ જોખમી સપાટી વટાવીને ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો ઉપરાંત અગાઉ ક્યારેય અસર ન થયેલા કેટલાક રહેણાંક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મગોબ, લિંબાયત અને ડુંભાલ સહિતના વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પૂર નિયંત્રણ માટે મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં ખાડીઓની સફાઈ, વિશેષ મશીનરીની ખરીદી અને મોટા બજેટની જોગવાઈ કરી હતી. છતાં પ્રથમ જ ભારે વરસાદમાં સ્થિતિ બેકાબૂ બનતાં આ કામગીરીની અસરકારકતા અંગે સવાલો ઊભા થયા છે. અગાઉ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિને જોતા પૂરનું જોખમ યથાવત હોવાનું જોવા મળી રહ્યું છે.

ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ ભેદવાડ, મીઠી અને સીમાડા ખાડીઓ જોખમી સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે કાકરા અને ભાઠેના ખાડીઓ પણ ચેતવણીના સ્તરની નજીક પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે તંત્ર સતર્ક બન્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં નજર રાખી રહ્યું છે. બીજી તરફ, પાણી ભરાવાથી જનજીવન અને વેપાર ધંધા પર વ્યાપક અસર પડતાં નાગરિકોમાં તંત્રની કામગીરી અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande