



- રાઠોડ સમાજ અને ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ
- વહેલી તકે બંગળી શેડનું નિર્માણ કરવા તંત્રને ઉગ્ર રજૂઆત
ભરૂચ 08 જુલાઈ (હિ.સ.) : વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો કેટલો અભાવ છે, તેનો જીવતો-જાગતો કિસ્સો જંબુસર તાલુકાના કનગામ ગામેથી સામે આવ્યો છે. કનગામ ખાતે આવેલા સ્મશાનગૃહમાં શેડ (બંગળી) ન હોવાના કારણે ચોમાસાની આ કપરી ઋતુમાં મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે સ્થાનિક રાઠોડ સમાજ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખુલ્લામાં અને વરસાદી માહોલમાં અંતિમ ક્રિયા કરવાની નોબત આવતા લોકોમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જંબુસરના કનગામ ગામે લાંબા સમયથી સ્મશાનમાં પાકા શેડની સુવિધા નથી. સામાન્ય દિવસોમાં જેમ-તેમ કરીને અંતિમ વિધિ પતાવવામાં આવતી હોય છે, પરંતુ ચોમાસું શરૂ થતાં જ ગ્રામજનોની મુશ્કેલીઓ બેવડાઈ જાય છે. ચાલુ વરસાદે ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવા એ ગ્રામજનો માટે અત્યંત આકરો અને કષ્ટદાયક અનુભવ બની રહ્યો છે. માનવીના મૃત્યુ બાદ તેની અંતિમ સફર પણ સન્માનપૂર્વક ન થઈ શકતા સમગ્ર પંથકમાં તંત્ર સામે ફિટકારની લાગણી વ્યાપી છે.
આ ગંભીર અને સંવેદનશીલ સમસ્યાને લઈને રાઠોડ સમાજના અગ્રણીઓ તેમજ કનગામના ગ્રામજનોએ એકઠા થઈને વહીવટી તંત્રને તાકીદની વિનંતી અને ઉગ્ર રજૂઆત કરી છે. ગ્રામજનોની માંગ છે કે ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને કનગામના સ્મશાનમાં વહેલી તકે બંગળી શેડનું નિર્માણ કરવામાં આવે. વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જરૂરી ગ્રાન્ટ મંજૂર કરે. લોકોને આ કપરા અને દુઃખદ સમયે પ્રાથમિક અને મૂળભૂત સુવિધા મળી રહે તે માટે ત્વરિત પગલાં લેવાય.
જો તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ