




વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે. ચોકડી નજીક આવેલી દ્વારકેશ સિટીના નમન રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં તસ્કરોએ બે દિવસ સતત ચોરીની ઘટનાને અંજામ આપતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે તસ્કરોએ નમન રેસિડેન્સીના ફ્લેટ નંબર-201ને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ આશરે ₹5 હજારની રોકડની ચોરી કરી હતી. ઘટનાને લઈને ફ્લેટના માલિક અશ્વિન ચૌહાણે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
જોકે, ફરિયાદ નોંધાયા બાદ પણ તસ્કરો ફરી સક્રિય બન્યા હતા. આજે વહેલી સવારે એ જ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-101 અને ફ્લેટ નંબર-201ને ફરી નિશાન બનાવવામાં આવ્યા હતા. ફ્લેટ નંબર-101માંથી બાળકની બચતનો ગુલ્લક અને સોનાની વીંટીની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફ્લેટ નંબર-201ના દરવાજાનો નકૂચો તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
એક જ એપાર્ટમેન્ટમાં સતત બે દિવસ સુધી ચોરીની ઘટનાઓ બનતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. રહિશોનું કહેવું છે કે પોલીસ ફરિયાદ બાદ પણ તસ્કરો નિર્ભય બની ફરી ઘટનાને અંજામ આપે છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
હાલ કપુરાઈ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, તકનીકી પુરાવા અને અન્ય માહિતીના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ