
વડોદરા,08 જુલાઈ (હિ.સ.) રાજ્યમાં સક્રિય થયેલા ચોમાસાની અસર હવાઈ સેવાઓ પર પણ જોવા મળી છે. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે વડોદરા એરપોર્ટ પર બે ફ્લાઇટોના સંચાલનમાં ફેરફાર કરવો પડ્યો હતો, જેના કારણે અંદાજે 225 જેટલા મુસાફરોને અસર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2975, જે દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી, તેને પ્રતિકૂળ હવામાનના કારણે વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
તે જરીતે, ઈન્ડિગોની ફ્લાઇટ 6E-5060, જે વડોદરાથી મુંબઈ જવાની હતી, તે મુંબઈ એરપોર્ટ પર પ્રતિકૂળ હવામાન અને રનવે પર પાણી ભરાઈ જવાના કારણે ત્યાં લેન્ડ થઈ શકી નહોતી. ફ્લાઇટ મુંબઈ સુધી પહોંચી હોવા છતાં સુરક્ષાના કારણોસર લેન્ડિંગ રદ કરી મુસાફરો સાથે ફરી વડોદરા એરપોર્ટ પર પરત લાવવામાં આવી હતી.
બંને ફ્લાઇટોમાં મળીને અંદાજે 225 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. એરલાઇન અને એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા મુસાફરોને જરૂરી માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોએ પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચકાસ્યા બાદ જ એરપોર્ટ તરફ રવાના થવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે આગામી સમયમાં પણ ફ્લાઇટોના સમયપત્રક પર અસર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ