
વાપી,08 જુલાઈ (હિ.સ.) દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રેલવે વ્યવસ્થા પર વ્યાપક અસર જોવા મળી હતી. અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે ઘણી ટ્રેનો કલાકો સુધી વિલંબથી દોડી રહી હતી. તેના પરિણામે મોટી સંખ્યામાં મુસાફરો વાપી રેલવે સ્ટેશન પર અટવાઈ ગયા હતા. ટ્રેન રદ થવા અને લાંબા સમય સુધી રાહ જોવી પડતા મુસાફરોને ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાજપ વાપી શહેર સંગઠન દ્વારા માનવસેવાના ભાગરૂપે રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભાજપના કાર્યકરોએ રાત્રે અંદાજે 1:00 વાગ્યાથી વહેલી સવારે 5:00 વાગ્યા સુધી વાપી રેલવે સ્ટેશન પર હાજર રહીને ટ્રેન રદ થવાના કારણે અથવા લાંબા વિલંબને કારણે અટવાયેલા મુસાફરોને ગરમાગરમ ખીચડી અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું. બાળકો, મહિલાઓ, વડીલો સહિત તમામ મુસાફરોને ભેદભાવ વિના આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો.આ સેવા કાર્યમાં વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, શહેર મહામંત્રી વિરાજ દક્ષિણી, રીકેન પટેલ, વાપી તાલુકા યુવા ભાજપ પ્રમુખ રાહુલ જયશવાલ, વાપી લોહાણા સમાજ પ્રમુખ મયુર ચગ, તેજસ ભંડારી, અનિલ યાદવ સહિત શહેરના અનેક હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. તમામ કાર્યકરોએ સ્ટેશન પર હાજર રહી મુસાફરોને સમયસર ભોજન પહોંચાડવા અને જરૂરી સહયોગ આપવા માટે સક્રિય કામગીરી કરી હતી.મુસાફરોએ પણ આ સેવાકીય કામગીરી બદલ ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે કરવામાં આવેલી આ માનવસેવાની કામગીરીને સ્ટેશન પર હાજર લોકો દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવી હતી.કુદરતી આપત્તિ અને સંકટની ઘડીમાં સમાજની સેવા માટે આગળ આવીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે ભાજપ વાપી શહેર સંગઠન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી માનવસેવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha