

વડોદરા,08 જુલાઈ (હિ.સ.) વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મારામારીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ જેલના પાર્કિંગ શેડ નજીક કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જાહેર સ્થળે થયેલી આ બબાલને કારણે ત્યાં હાજર લોકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વાયરલ વીડિયોને લઈને લોકમુખે એવી ચર્ચા ચાલી રહી છે કે ઘટનાના સમયે જેલ પોલીસ તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં નિષ્ફળ રહી અને મૂકપ્રેક્ષક બની રહી હતી. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જાહેર સ્થળે થયેલી આ ઘટનાને પગલે સેન્ટ્રલ જેલ બહારની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોના આધારે સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવે અને જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ