ભારે વરસાદ બાદ અમરેલીમાં ગ્રામ્ય માર્ગોને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી, આગામી 48 કલાકમાં તમામ રસ્તા શરૂ કરવાનો લક્ષ્યાંક
અમરેલી,, 08 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે અનેક ગ્રામ્ય માર્ગોને નુકસાન પહોંચ્યું હતું. અનેક ગામોનો સંપર્ક તૂટી જતાં સ્થાનિક લોકોને અવરજવર, ખેતી અને દૈનિક જરૂરિયાતોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો
ભારે વરસાદ બાદ અમરેલીમાં ગ્રામ્ય માર્ગોને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી, આગામી 48 કલાકમાં તમામ રસ્તા શરૂ કરવાનો લક્ષ્યાંક


અમરેલી,, 08 જુલાઈ (હિ.સ.)

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે અનેક ગ્રામ્ય માર્ગોને નુકસાન પહોંચ્યું હતું. અનેક ગામોનો સંપર્ક તૂટી જતાં સ્થાનિક લોકોને અવરજવર, ખેતી અને દૈનિક જરૂરિયાતોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અસરગ્રસ્ત માર્ગોને ઝડપથી પૂર્વવત કરવા દિવસ-રાત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળ આશરે 3,200 કિલોમીટરનું માર્ગ નેટવર્ક આવે છે. ભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાઈ ગયા હતા અથવા વાહનવ્યવહાર માટે અયોગ્ય બન્યા હતા. વિભાગે નુકસાનનું સર્વેક્ષણ પૂર્ણ કરીને તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરી છે.

અત્યાર સુધીમાં સંપૂર્ણપણે અસરગ્રસ્ત માર્ગોમાંથી 11 માર્ગોને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે, જ્યારે હજુ 26 નુકસાનગ્રસ્ત માર્ગો પર મરામતનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કામગીરીને ઝડપી બનાવવા માટે વિભાગે 42 જેટલા JCB, 18 ડમ્પર, 10 ટ્રેક્ટર, રોલર સહિતના ભારે મશીનો મેદાનમાં ઉતાર્યા છે. ઉપરાંત 60થી વધુ શ્રમિકો સતત કામગીરીમાં જોડાઈ માર્ગોને ફરી કાર્યક્ષમ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.

વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ સ્થળોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ કામમાં કોઈ વિલંબ ન થાય. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં તરત જ રસ્તાની મરામત શરૂ કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગે આગામી 48 કલાકમાં તમામ બંધ ગ્રામ્ય માર્ગોને પૂર્વવત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ કામગીરી માત્ર રસ્તાઓનું સમારકામ પૂરતી સીમિત નથી, પરંતુ ગામડાંના જનજીવનને ફરી ગતિ આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. માર્ગો શરૂ થતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ ગ્રામજનોને ફરી સરળ અવરજવર મળી રહેશે અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande